Thursday, December 11, 2014

શ્રીમદ્ ભગવદ્ગીતા અને શાળા-શિક્ષણ?


શ્રીમદ્ ભગવદ્ગીતા અને શાળા-શિક્ષણ? 


શિક્ષક અને વિદ્યાર્થીઓ જો ગીતાની મદદ લેશે તો અનેક સમસ્યાઓનો ઉકેલ મળી જશે. ગીતાના સિદ્ધાંતો શૈક્ષણિક સમસ્યાઓ માટે દીવાદાંડી બની શકે તેમ છે. તમારામાં જેટલી તાકાત હોય તેટલુુું શિક્ષણ તમે ગીતા પાસેથી મેળવી શકશો.
ભારતીય ગ્રંથ "ગીતા" માનવીને જીવન જીવવાનો રસ્તો ચીંધે છે, ગીતા એ તો જીવન જીવવાની અને જીવનનો વિકાસ કરવાની જડીબુટ્ટી છે. ગીતા માટે ગાંધીજીએ કહેલું: "એકવાર મારો અનંતકાળ પાસે આવેલો જણાયો ત્યારે મને ગીતા બહુ જ આસાનરૂપ થઈ હતી. ... જ્યારે જ્યારે હું બહુ ભારે મુશ્કેલીઓથી ઘેરાઈ જાઉં છું ત્યારે ત્યારે હું ગીતા માતાની પાસે દોડી જાઉ છું અને એમાંથી મારું સમાધાન ન થયું હોય એવું કદી બન્યું નથી." શિક્ષણનો ધ્યેય પણ વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવાનો,વ્યક્તિને મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો, જીવનની સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થવાનો જ છે! આ રીતે જોતાં ગીતાને શિક્ષણનો પૌરાણિક, આધુનિક અને ભવિષ્ય માટેનો શૈક્ષણિક ગ્રંથ કહી શકાય,.
શિક્ષણનો ધ્યેય વ્યક્તિમાં ચારિત્ર્ય, નૈતિકતા અને સમતાના ગુણો ખીલવવાનો છે. શિક્ષકે વિદ્યાર્થીમાં સમતાના ગુણો ખીલવવાના છે. ગીતામાં પણ કહ્યું છે. "સુખદુઃખે સમે કૃત્વા લાભાલાભૌ જ્યાજ્યો તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યસિ।। સુખદુઃખને લાભઅલાભને તથા જય-પરાજયને સમાન ગણી યુદ્ધ માટે તું જોડાઈ જા, એ રીતે તું પાપને પામીશ નહીં." (અધ્યાય. :૨શ્લોક-૩૮) કેટલીકવાર વિદ્યાર્થીઓ મહેનત કરે છે. પણ ધારેલું પરિણામ ન મળે ત્યારે હતાશ થઈ જાય છે. ક્યારેક આપઘાત પણ કરી નાંખે છે. ક્યારેક હતાશ બનીને મહેનત પણ કરવાનું માંડી વાળે છે. વિદ્યાર્થીના વાલી પણ એક એક માર્ક માટે શિક્ષકો સાથે ઝગડતા પણ જોવા મળે છે. આવા વિદ્યાર્થીઓ અને વાલી માટે ગીતામાં કહ્યું છે, "કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, મા
કર્મફલહેતુર્ભૂર્મા તે સડોડસ્ત્વકર્મણિ।। કર્મમાં જ તારો અધિકાર છે, ફળમાં કદી નથી. તું કર્મફળના હેતુવાળો ન થા તેમજ કર્મ ન કરવામાં તારી આસક્તિ ન થાઓ." (અ.૨.શ્લોક ૪૭) વિદ્યાર્થીની સ્મૃતિ અને બુદ્ધિ શક્તિ જેટલી વધુ તેટલી તેની સફળતા વધુ. જેને સાચવી રાખવા ગીતામાં કહ્યું છે, "ક્રોધાદ્ ભવતિ સમ્મોહઃ સમ્મોહાત્સ્મૃતિવિભ્રમઃ। સ્મૃતિભ્રંશાદ 
બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ।। ક્રોધથી મૂઢતા થાય છે, મૂઢતાથી સ્મૃતિનો નાશ થાય છે, સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશથી મનુષ્ય સંપૂર્ણ નાશ પામે છે." (અ.ર શ્લોક ૬૩) કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો નિષ્ફળતાના ડરથી કે અન્ય કોઈ કારણસર કામ ન કરવાનો નિર્ણય લેતા હોય છે. પરિણામે તેમનો વિકાસ અટકી જાય છે. આ માટે ગીતામાં કહ્યું છે, "નિયતં કુરુ કર્મ ત્વં કર્મ જ્યાયો હ્યકર્મણઃ। શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધયેકર્મણઃ। તું ઇન્દ્રિયો નિયમમાં રાખી કર્તવ્ય કર, કેમ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું વધારે સારું છે અને કર્મ નહીં કરવાથી તારો શરીરનિર્વાહ પણ સિદ્ધ નહીં થાય." (અ.૩ શ્લોક ૮)
કેટલાંક શિક્ષકો નબળા વિદ્યાર્થીઓથી કંટાળીને હતાશ થઈને તેમની પાછળ રસ લઈને કામ કરતાં નથી કે કામ સોંપતા નથી. આચાર્ય પણ નબળાં શિક્ષકને દૂર રાખવાનું પસંદ કરીને તેમને કોઈ કામ બતાવતા નથી. આ માટે ગીતામાંથી બોધ લેવા જેવો છે. "ન બુદ્ધિભેદં જનયેદજ્ઞાાના કર્મસંગિનામ્। જોષયેત્સર્વકર્માણિ વિદ્વાન્યુક્તઃ સમાચારન્।। વિદ્વાન પુરુષે કર્મમાં આસક્તિવાળા અજ્ઞાાનીઓની બુદ્ધિમાં ભેદ ન ઉપજાવવો, પણ પોતે જ્ઞાાનયુક્ત છતાં સારી રીતે કર્મ કરતા રહી અજ્ઞાાનીઓ પાસે સર્વ કર્મ કરાવવાં." (અ.૩ શ્લોક ૨૬)
કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો થોડા કામમાં પણ સંતોષ માને છે. કોઈ વિદ્યાર્થી પાસ થાય કે સાઠ ટકા ગુણ મેળવે એટલે સંતોષ માને છે. આ સંતોષ જ તેમના વિકાસ માટે ક્યારેક વિઘ્નરૂપ બને છે. તેની ચેતવણી ગીતા આપે છે. "ત્યકત્વા કર્મફલાસંગ નિત્યતૃપ્તો નિરાશ્રયઃ। કર્મણ્યભિપ્રવૃત્તોડપિ નૈવ કિંચિત્કરોતિ સઃ।। નિત્ય સંતુષ્ટ રહેનારો, આશ્રય-આકાંક્ષારહિત, મનુષ્યકર્મફળની આસક્તિ છોડીને કર્મમાં પ્રવૃત્ત થાય તો પણ તે કંઈ જ કરતો નથી." (અ.૪ શ્લોક૨૦)
આજે વિદ્યાર્થી અને શિક્ષકના સંબંધો કથળતા જાય છે, ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને જ્ઞાાન મેળવવા આપેલી શીખામણ આજના સૌ વિદ્યાર્થીએ ધ્યાનમાં રાખવા જેવી છે. "તવિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાાનં જ્ઞાાનિનસ્તત્વર્દિશનઃ।।તત્ત્વદર્શી જ્ઞાાનીઓ તને એ જ્ઞાાનનો ઉપદેશ કરશે. એમને પ્રણામ કરી, એમની સેવા કરી એમને પ્રશ્નો પૂછી એ જ્ઞાાન તું જાણી લે." (અ.૪ શ્લોક ૩૪)
વિદ્યાર્થીઓને જ્ઞાાન મેળવવા માટે અનેક લોકો અનેક નુસખા જણાવે છે. પણ જ્યાં સુધી વિદ્યાર્થીને પોતાની જાત અને શિક્ષક પર શ્રદ્ધા ન હોય, તે જ્ઞાાન મેળવવા તત્પર ન હોય અને મોજશોખ પાછળ જ મન દોડાવતો હોય તો તેને જ્ઞાાન ક્યાંથી મળે? ગીતામાં કહ્યું છે કે, "શ્રદ્ધાર્વાંલ્લભતે જ્ઞાાનં તત્પરઃસંયતેન્દ્રિયઃ। જ્ઞાાનં લબ્ધ્વા પરાં શાન્તિમચિરેણાધિગચ્છતિ।। શ્રદ્ધાવાન, તત્પર અને જિતેન્દ્રિય પુરુષ જ્ઞાાન મેળવે છે. જ્ઞાાન પામીને એ પરમ શાંતિ પામે છે." (અ.૪ શ્લોક ૩૯)
કેટલાક વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યશ્રીઓ માત્ર જ્ઞાાનને જ મહત્ત્વ આપે છે, કાર્યને નહીં. જ્ઞાાન હોય. ખરેખર તો જ્ઞાાનનું જેટલું મહત્ત્વ છે તેટલું જ કામને પણ મહત્ત્વ આપવુું જોઈએ. ગીતામાં કહ્યા મુજબ, "યત્સાંખ્યૈઃ પ્રાપ્યતે સ્થાનં તદ્યોગૈરપિ ગમ્યતે રૂકં સાખ્યં ચ યોગં ચ યઃપશ્યતિ સ પશ્યતિ।। જ્ઞાાનીઓ જે પરમપદને પ્રાપ્ત કરે છે એ જ કર્મયોગીઓ પણ પ્રાપ્ત કરે છે. તેથી જે મનુષ્ય જ્ઞાાનયોગ અને કર્મયોને એકરૂપ જૂએ છે એ જ બરાબર જૂએ છે." (અ.પ.શ્લોક ૫) વિદ્યાર્થીઓએ નક્કી કરેલું ધ્યેય પ્રાપ્ત કરવા માટે સખત અને સતત મહેનત કરવી પડે. આ માટે શક્તિ મેળવવા પ્રમાણસર ખાવું જોઈએ. જો વધુ ઊંઘશો તો કામ નહીં થાય અને બિલકુલ નહીં ઊંઘો તો થાકી જશો. આ માટે ગીતામાં કહેલ છે, "નાત્યશ્નતસ્તુ યોગોડસ્તિ ન ચૈકાન્તમનશ્નતઃ। ન ચાતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુના।। હે અર્જુન! બહુ ખાનારને, કેવળ નહીં ખાનારને, બહુ ઊંઘવાના સ્વભાવવાળાને તેમજ કેવળ જાગનારને યોગ સિદ્ધ થતો નથી." (અ.૬ શ્લોક ૧૬) શિક્ષણ પ્રાપ્ત કરવા માટે મનને એકાગ્ર રાખવું ખૂબ જરૂરી છે. જે અઘરું છે પણ અશક્ય નથી. આ માટે અભ્યાસ અધ્યયન જરૂરી છે. ગીતામાં જણાવ્યા પ્રમાણે , "અસંશય મહાબાહો મનો ર્દુિનગ્રહં ચલમ્। અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે।। હે મહાબાહો। ખરેખર મન ચંચળ અને વશ કરવું મુશ્કેલ છે, તો પણ હે કુંતીપુત્ર! અભ્યાસ અને વૈરાગ્ય વડે તેને વશ કરાય છે." (અ.૬ શ્લોક ૩૫)
શિક્ષક અને વિદ્યાર્થીઓ જો ગીતાની મદદ લેશે તો શાળા-વર્ગ શિક્ષણની અનેક સમસ્યાઓનો ઉકેલ મળી જશે. ગીતાના સિદ્ધાંતો શૈક્ષણિક સમસ્યાઓ માટે દીવાદાંડી બની શકે તેમ છે. તમારામાં જેટલી તાકાત હોય તેટલુુું શિક્ષણ તમે ગીતા પાસેથી મેળવી શકશો.
Post a Comment