Wednesday, February 25, 2015

દીકરી હેતની હેલી...

દીકરી હેતની હેલી...
દીકરી રાજાની હોય કે રંકની, એ ગરીબની હોય કે અમીરની, એ કાયમ પારિજાતના પુષ્પની જેમ સુગંધ ફેલાવતી રહી, પરમાત્માના તમારા પર આશીર્વાદ હોય તો જ દીકરી પ્રસાદરૂપે પરિવારમાં અવતરતી હોય છે. ગુજરાતી સાહિત્યમાં ‘દીકરી વહાલનો દરિયો’, ‘દીકરી એટલે દીકરી’ જેવાં સંપાદનો લોકપ્રિય બન્યાં હવે આ સંપાદનોમાં એક ત્રીજો ગ્રંથ ઉમેરાયો છે: ‘દીકરી હેતની હેલી’ એમાં અનુસૂચિત જાતિના પચાસ જેટલા પિતાને પોતાની દીકરીઓ પર હેતની હેલી વરસાવતા અનુભવી શકો. કળીએ કળીએ કરમાતા કાળજાની વેદના જેસંગ જાદવના લેખમાં અનુભવાય... ઉત્તરાયણનો અવસર... ધાબા પર ચારે બાજુ ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસનો માહોલ... ત્યાં વીજળીનો તાર જેસંગ જાદવની દીકરી નાનકીને એવો તો આભડી ગયો કે એનો એક હાથ અને એક પગ કાપી નાખવો પડ્યો... પિતા જેસંગ જાદવે પોતાની લાડકી દીકરીના એ વજ્રઘાતને જાણે આંસુ અને લોહીમાં બોળીને શબ્દાંકન કર્યું છે. આંખ અને અંતર ભીંજવી દે એવી એ ઘટના જેસંગ જાદવના જ શબ્દોમાં:
14મી જાન્યુઆરીએ મેં પતંગ ઘણા ચગાવ્યા છે. પણ 14મી જાન્યુઆરી 2004ના 5.30 કલાક પછીની બધી પતંગો મને યમ જેવી દેખાય છે. નામ એનું તૃપ્તિ. નાની એટલે અમે નાનકીનું જ ઉદબોધન કરેલું. કપાયેલા પતંગની દોરી લેવા એણે વીજ તાર તરફ હાથ લંબાવ્યો ને સેકન્ડમાં એ વીજ રાક્ષસે અેનું કામ કરી બતાવ્યું.
‘નાનકીને વીજ કરંટ લાગ્યો છે. દવાખાને લઇ ગયા છે.’ ખલાસ, મારી નાનકી ન બચે! અગિયાર હજાર વોલ્ટની વીજલાઇન ન છોડે!
જમણા પગની ત્રણ આંગળીઓ કરંટ લાગેલ સ્થળે ધાબા પર જ દાઝીને ફાટી-નીકળી ગઇ હતી. જમણા હાથ અને પગના દાઝેલા માંસના લોચા મારી બધી સંવેદનાઓ પી ગયા. વી. એસ. હોસ્પિટલના બર્ન્સવોર્ડમાં ફરજ પરના એ ડોક્ટરને રડતાં-રડતાં મેં કહેલું, ‘સાહેબ, નાનકીના આ જમણા હાથની આંગળીઓ તો સીધી થઇ જશે ને? ને સાહેબ પગની ત્રણ આંગળીઓ તો ખરી ગઇ છે, પણ એ તો પ્લાસ્ટિક સર્જરી કરી નવી નાખી દેજો.’ હું ડોક્ટરને બે હાથ જોડી કરગરી રહ્યો હતો.
‘24મી જાન્યુઆરીએ એનું ઓપરેશન કરવાનું છે!’ ડોક્ટરે કહેલું, પણ કેવું ઓપરેશન? શું કરશે? ધીર ગંભીર મુદ્રામાં બેઠેલા ઇશ્વરીય અવતાર સમા લાગવણકર સાહેબ બોલેલા ‘સાંભળો, આંગળાં નહીં, પણ એનો હાથ કોણીથી કાપવો પડશે ને કદાચ પગ ઘૂંટીએથી. દસ દિવસ અમે હાથ-પગ બચાવવાની કોશિશમાં જ હતા પણ નસો બધી બ્લોક છે.’ સાંભળતાં જ મારું હૃદય રડી પડ્યું.
ઓપરેશન કરવાનું હોય એના આગળના દિવસે રાત્રે 12 વાગ્યા પછી ખોરાક પાણી બંધ કરવાની સૂચના નર્સ આપે...
પૂરા બાર કલાક ખાધા પીધા વિના પસાર થઇ ગયેલા. નાનકી સતત પાણી.. પાણી... પાણીનું રટણ કરે. તેની માગણી મને મૂંઝવી રહી હતી. પપ્પા...પપ્પા... પપ્પાના નામનું એનું રટણ! તરસે એના જીવને શું થતું હશે? પાણીની બોટલનું એકાદ ઢાંકણું હોઠ પલાળવા આપું, એવું મન થઇ આવે.
સાડાબાર વાગ્યા ત્યારે તો પાણીની તરસે એ બેચેન બની ગઇ ને કહેવા લાગી, ‘પપ્પા, થોડું પાણી...!’ હું તેની આશાને ઓગાળી પી ગયો. હું નહોતો આપી શક્યો પાણી! પાણીનો ધોધ તો મારી આંખોમાંથી ક્યારનોય વહેવો શરૂ થઇ ગયો હતો. ખારો ઝેર! હું અવળો ફરી ગયો. પણ ડૂસકું મારાથી ન રોકી શકાયું. ને એ ચાલાક છોકરી પામી ગઇ વાત? એની તરસ જાણે કે અલોપ! ‘પપ્પા, તમે રડશો નહીં, હવે હું પાણી નહીં માગું.’
ધાર્યા કરતાંય એનાં અંગો વધુ વહેરાયાં. વારંવાર લેખિત બાંયધરીની સહીઓ કરી આપી છે. કરવતો સજાવી આપી છે. તેનો જમણો હાથ ખભેથી અને જમણો પગ ઢીંચણ નીચેથી કપાયો. એ વખતે મારી સ્થિતિનું વર્ણન કરી શકું તેમ નથી.ખૂબ રડ્યો છું, કંપ્યો છું, કપાયો છું.
નાનકીના આ ઓપરેશન પછી ડોક્ટરે સૂચના આપેલી ‘કોઇ એની આગળ જઇ રડતા નહીં. તેના મનને આઘાત લાગશે તો તે મનથી ભાંગી પડશે.’ મારા પાંચ ભાઇઓનો પૂરો પરિવાર ત્યાં હાજર! પણ પપ્પા? પપ્પા... પપ્પાના નામથી એની બૂમ બર્ન્સ વોર્ડના કાચના દરવાજાવાળા બંધ રૂમની સોંસરવી, લોબીમાં બેઠેલ તેના પપ્પાના હૃદયને ચીરતી વીંધાઇ જતી હતી. હું તેની સામે ઊભો રહી શકવા સમર્થ ન હતો ને એને મારા વિના એક મિનિટ પણ ન ચાલે. કેલૈયાનું માથું ખાંડણિયામાં ખાંડવા... સાંબેલું પકડવાનું આવ્યું. ને ચંગાવતી...! હાલરડાંય ગાતા આવડતું ન હતું! શૂન્ય, બધી સંવેદનાઓ મરી પરવારી હતી એની.
હું પલંગમાં એના માથા બાજુ ટેબલ રાખી બેઠો. પછી એના મોં સામે જોઇ એને સારું લાગે એટલે મહાપ્રયત્ને દંભથી હસ્યો ને મને હસતો જોઇ એટલા દુ:ખ વચ્ચે એ હસી. ને જે બીક હતી એ જ ‘પપ્પા, જુઓ મારો હાથ ડોક્ટરે કાપી નાખ્યો અને પગ પણ!’ એટલું સાહજિકતાથી એ બોલી કે જાણે બોબ્ડ કટ વાળ કપાવીને આવી હોય! હું આજેય વિચારું છું ભગવાને આને શાની ઘડી છે?
અને જેસંગ જાદવની આકાંક્ષા સુંદરજી બેટાઇની પંક્તિમાં પડઘાય છે:
અમ ક્યારાની એ ફૂલવેલી,
અમોલી એ પાંગરજો,
અમ હૈયાની આ રસહેલી,
તમારા ઉર રેલવજો.
Post a Comment