Friday, July 17, 2015

જ્યાં નરસિંહ મહેતા પર મહાદેવ પ્રસન્ન થયા હતાં. - ગોપનાથ મહાદેવ

ગોપનાથ મહાદેવ
 
 
જ્યાં નરસિંહ મહેતા પર મહાદેવ પ્રસન્ન થયા હતાં. 
           સાંસ્કૃતિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ ગુજરાત (ગુર્જરભૂમિ) ભારત દેશમાં એક મહતવ્નું સ્થાન ધરાવે છે.આપણી સંસ્કૃતિના આધ્યાત્મિક્તાના મૂળ અહીંયા જ ધરબાયેલા છે.
 
          આપણા દેશને આઝાદી અપાવનાર વિરસપૂત એવા ગાંધીજીની જન્મભૂમિ ગુજરાત છે. તો એ જમાના વેપારની શરૂઆત કરીને છેક આફ્રિકા અને યુરોપ સુધીની સફર કરનાર પણ નાનજી કાલીદાસ નામના ગુજરાતી જ છે.પ્રાચીન-રીતરિવાજો,અને સાંસ્કૃતિક વિવિધતાવાળા આપણા ગુજરાત રાજ્યના મંદિરો તીર્થસ્થાનો અને તેના અચિ પ્રાચીન એવા સ્થાપત્યકળાને કારણે તેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થયેલ છે.
 
         આપણા હિન્દ મહાસાગરના પાણી જેના પગ પખાડે છે એવા કાઠિયાવાડના ભાવનગર જીલ્લાના તળાજા ગામ નજીક આવેલ શ્રી મોટા ગોપનાથજી મહાદેવનું સ્થાન,સૌરાષ્ટ્રના સાંગરકાંઠાના તીર્થસ્થાનોમાં અલૌકિક અને ઉત્તમ છે.શ્રી ગોપનાથજી મંદિર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશાળ ખુલ્લા સમુદ્રતટ ઉપરનું પ્રવાસધામ,વિહારધામ,અને તીર્થસ્થાન તરીકે પણ પ્રસિદ્ધ છે. સુંદર આકર્ષક સૌદર્ય અને ઐતિહાસિક દસ્તાવેજી પુરાવાઓ આપણને આ સ્થાનેથી પ્રાપ્ત થાય છે.અનેક મૂર્તિઓની પ્રાચીનતા ગોપ સંસ્કૃતિના અવશેષો ધરાવતું આ સ્થાન શિલ્પસ્થાપત્યના ઉત્તમ નમુનાઓ સાચવીને સાગરના ઉંચા ઉછાળા મોજાઓની સાક્ષી પૂરતું અડીખમ અત્યારે પણ ઉભું છે.
 
         તીર્થધામ શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરનાર શ્રી ગોપનાથ મહાદેવના પ્રાગટ્ય વિશે આપણા સમાજમાં જાતજાતની દંતકથાઓ પ્રચલિત છે.
 
         જે પ્રમાણે એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ આ સ્થળે યાત્રા કરવા નીકળ્યા ત્યારે એમણે આ રેતીમાં શિવજીનું બાણ તૈયાર કરીને તેની પૂજા કરી હતીં. આમ આ કથા મુજબ આ પવિત્ર સ્થળ સાથે ભગવાન શ્રીકૃષ્ણ પણ જોડાયેલા છે.તેથી શિવજીના આ મંદિર ઉપર હંમેશા ધોળી ધજા જ ફરકે છે. આમ આ મહાદેવને ધોળી ધજાના દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
 
          તો બીજી એક દંતકથા પ્રમાણે ઈ.સ. સોળમાં સતકમાં રાજપીપળા શાખાના ગોહિલ રાજા ગોપસિંહજીએ આ મહેદાવની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે. તો વળી આઠમી સદીમાં આ મહેદાવની આજુબાજુની ભૂમિ ઉપર મોટા મોટા તાડના વૃક્ષો હતા.જ્યાં દૈવી શક્તિનો વાસ હતો. તો બારમી સદીમાં સોલંકી કાળમાં આ એક ધબકતું બંદર હતું. તેમજ એક સરસ મજાનું સુંદર નૌકાસ્થળ તેમજ ઘોઘા બંદર સાથે જોડાયેલું હતું.
 
         બીજી એક દંતકથા પ્રમાણે સુરત શહેરના નિવાસી ગોપીનાથ શેઠની ગાયોના ઘણમાંથી એક ગાય દરરોજ સમુદ્ર ઓળંગીને આ સ્થળે આવેલ રાફડા ઉપર સ્વયંભુ દૂધ વરસાવીને અભિષેક કરીને જતી હતી,તેથી શેઠ અને તેના ગોવાળોએ તપાસ કરીને રાફડા નીચેથી શિવજીનું અલૌકિક બાણ શોધી કાઢ્યું.જેથી ગોપાલકોએ પૂજનઅર્તન માટે તેની સ્થાપના કરતાં તેને ગોપનાથજી તરીકે પણ ઓળખાય છે.
 
          તે બધાની સાથે સાથે આ પ્રાચીન ઘામમાં સંતશિરોમણી એવા નરસિંહ મહેતાએ ભાભીનાં મહેણા ટોણાંથી પોતાના ઘરનો ત્યાગ કર્યો હતો. અને સાત સાત દિવસ સુંધી આ સ્થળે તપ કર્યું હતું. ત્યારે તેમને આ સ્થળે જ ભગવાન શંકરનો સાક્ષાત્કાર થયો હતો. અને ભોળાનાથે પ્રસન્ન થઈને તેમને ભક્તિની અવસ્થામાં આ જ સ્થળે રાસલીલાનું દર્શન પણ કરાવ્યું હતું. ત્યારે નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિનાં અનેક પદો,પ્રભાતિયા,અને ભજનો અહી જ રચ્યા હતાં. તે બાદ નરસિંહ મહેતા ઘણા દિવસો સુધી આ સ્થળે રહ્યા હતાં. આ દંતકથા જો સાચી હોય તો આ મંદિર ઈ.સ.ના 15 માં શતકથી પ્રાચીન તો હોવું જ જોઈએ.જો કે અત્રે એ વાત અવશ્ય યાદ રાખવી જોઈએ કે ગોપનાથની ખાડી તો ઘણા પ્રાચીન કાળથી પ્રસિદ્ધ છે. પેરીપ્લસના લખાણોમાં ગોપનાથનું નામ પળીક તરીકે પણ મળે છે.
 
          ભાવનગરના ગોહિલ રાજાઓનો ગોપનાથમાં બ્રહ્મકુંડ આવેલો છે તેની આગલ બાળમો વાળા ઉતરાવવાનો નિયમ છે.ભાવનગરના પ્રજવત્સલ રાજાએ આ યાત્રાધામના નિભાવ તથા સંચાલન માટે જમીન જાગીર અને સ્થાવર મિલ્કતો પૂષ્કળ પ્રમાણમાં અર્પણ કરેલ છે. અહીંયા યાત્રાળુઓને ઉતારા માટે પ્રસાદ તથા ભોજન તેમજ રહેવા માટે ધર્મશાળા શરૂ કરવામાં આવેલા છે.મંદિર તેમજ સાધુ સંતોની વ્યવસ્થા માટે મહંતની ગાદી હતી. મહંતની આ જગ્યા અને બ્રહ્મચારીની જગ્યા માટે ગાદિપતિઓ રૂઢિ અનુસાર નિમાતા હતાં. તેઓ જાતે તેની દેખભાળ રાખતા હતાં.અત્યારે તો આ જગ્યાનો વહીવટ શ્રી મોટા ગોપનાથજી મંદિર સાર્વજનિક ટ્ર્સ્ટ સંભાળે છે.તો વિહારઘામની દેખરેથ શ્રી મોટા ગોપનાથજીના મહંત ટ્રસ્ટ જગ્યા સંભાળે છે.
 
          આ પવિત્ર યાત્રા ધામ તળાજાથી 22 કિલોમીટરના અંતરે તેમજ સુરતના દરિયાકાંટાથી બાર દરિયાઈ માઈલના અંતરે આવેલું છે. આ સ્થળ ઉપર આજથી 355 વર્ષ પૂર્વે જેમની મનોકામના પૂર્ણ થઈ હતી તેવા બારભાયા નામે ઓળખાતા કપોળ ગૃહસ્થ પરિવારે તે સમયે રૂપિયા પચ્ચાસ હજારના ખર્ચે આ સંપૂર્ણ મંદિર જે અત્યારે સ્થાપ્તય અને કલાકારીગરીથી શોભી રહ્યું છે તેને બનાવી આપેલ.
 
         આ યાત્રાધામમાં શિવમંદિર ઉપરાંત શ્રી નૃસિંહ ભગવાન અને શ્રી રાધાકૃષ્ણના મંદિરો તેમજ શ્રી મહાકાળી માતાજીનું મંદિર તથા ગાયત્રી મંદિરની સાથે સાથે શ્રીજી મહારાજનાં પગલા સ્વરૂપે શ્રી સ્વામીનારાયણ પ્રાર્થના મંદિર તથા ભક્ત મંડળીનું પણ સ્થાનક આવેલા છે. આ સ્થળે વૈષ્ણવ,શિવ અને શક્તિ સંપ્રદાયના તહેવારો ભારે ભક્તિભાવ પૂર્વક ઉજવાય છે. તેમાં પણ ખાસ કરીને શ્રાવણ માસ દરમ્યાન અહી દર્શન કરવા આવનાર દરેક દર્શનાર્થીને પ્રેમથી ભોજન પીરસવામાં આવે છે.તેમાં પણ ખાસ કરીને બપોરે 12 અને સાંજે 7 કલાકે હરિપ્રસાદ માટે રીતસરનો સાદ પાડવામાં આવે છે અને મોટી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ તેનો લાભ લેતા હોય છે.શ્રાવણ માસના છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન ભાદરવી અમાસને નામે ઓળખાતા ભવ્ય લોકમેળાનું અનોખુ આયોજન પણ થાય છે. જેમાં આશરે દોઢ લાખથી પણ વધારે સંખ્યામાં યાત્રાળુઓ આવે છે.તો વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમજ પૂજાપાઠથી શ્રાવણી ઉત્સવો મહા ધામધૂમથી ઊજવાય છે.
 
          હિન્દું ધર્મના દરેક સંપ્રદાયના સમન્વયસમા શ્રી મોટા ગોપનાથનું ધામ અલૌકિક છે. સત્ય, શિવ અને સુંદરતાના વાતાવરણમય આ દેવસ્થાનમાં એક વખત દર્શન કરવા જનારના હૃદયમાં છવાઈ જાય તેવી દિવ્યતા છે.આ દિવ્ય સ્થાનની અસ્મિતા જળવાઈ રહે અને સંસ્કૃતિનો અમર વારસો વર્તમાન અને ભાવિ પેઢી પર્યંત જળવાઈ રહે એ માટે આ સ્થાનનો વિકાસ થાય તે માટે ખૂબ જ જરૂરી છે.
 
         હાલમાં શ્રી મોટા ગોપનાથજી મહંત ટ્રસ્ટ તરફથી યાત્રાળુઓ માટે વિહારધામ ઉભું કરવામાં આવ્યું છે.જેમાં બે વીઆઈપી ઓરડાઓ રાખવામાં આવ્યા છે.તેમજ સંપૂર્ણ સુવિધાઓ વાળી સંખ્યાબંધ રૂમો પણ બનાવવામાં આવી છે.જ્યારે તેની સાથે સાથે બ્રહ્મચારી ટ્રસ્ટ દ્વારા ચાલતી ધર્મશાળામાં પણ ઘણા રૂમોની સગવડ છે. અહિયાં એક વાત ખાસ નોંધવી જોઈએ કે કોઈ પણ જાતનું ભાડું લેવામાં આવતું નથી.પરંતુ ભેટ તરીકે રકમ સ્વીકારવામાં આવે છે. અહીની બ્રહ્મચારી ટ્રસ્ટમાં ગૌશાળા આવેલી છે.
 
         આમ મોટા ગોપનાથજી મંદિરના યાત્રાળુઓ માટે ધર્મશાળા, ભોજનાલય સમુદ્ર કિનારે વિહારધામ,સ્નાન માટે વિશાળ ધાટ,તેમજ વૈદિકશાસ્ત્રોના પઠન માટે પાઠશાળા અને ગોઘનના સંધનન માટે ગૌશાળા આવેલી છે.પરંતુ અહી એક વાત ખાસ નોંધવી જોઈએ કે વિદેશી પ્રવાસીઓ હોય કે આપણા દેશના અન્ય ભાગોના પ્રવાસીઓ હોય જો તેમને આ સ્થળ તરફ આકર્ષવા હોય તો વિશાળ અને વિવિધ સગવડો ઉભી કરવી જરૂરી છે. દા.ત. નરસિંહ મહેતાતને સાક્ષાત્કાર થયેલા મહાદેવના મંદિરની સામે ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા ભવન ”, સાધના કુટિર સ્વાગત કક્ષ, તેમજ અત્યારના સમયની માંગ અનુસાર અદ્યતન હોટેલની ખાસ જરૂરિયાત છે. જો થશે તો આ ભારતનાં અન્ય તીર્થ ધામોની જેમ સવિશેષ ખ્યાતિ પામશે અને આ સ્થાનના ભવ્ય ભૂતકાળની પ્રતીતિ ભાવિ પેઢી બાદ પણ લોકોને થતી રહેશે તેવી અમને શ્રદ્ધા છે.
 
        ગોપનાથ પહોંચવા માટે પહેલા ભાવનગર જવું પડે, ત્યાંથી તળાજા 42 કિ.મી. અને તળાજાથી 22 કિ.મી. દુર આ તીર્થ આવેલું છે.હવાઉ ઉડ્ડયન દ્વારા મુંબઈ સાથે હવે તો ભાવનગરને સાંકળી લેવામાં આવ્યું છે.ભાવનગરથી રેલ્વે દ્વારા પણ અમદાવાદથી 269 કિ.મી. દુર છે.હવે તો રસ્તાઓ પણ ખૂબ જ સુંદર થઈ ગયો હોવાથી લોકો પોતાના પ્રાઈવેટ સાધનો લઈને પણ જઈ શકે છે.
Post a Comment