Monday, July 13, 2015

History - ઇતિહાસ >> Historic Places - ઐતિહાસિક સ્થળો - શ્રી ખારેશ્વર મહાદેવ - 1

શ્રી ખારેશ્વર મહાદેવ
 
અગરિયાએ માટેનું મોટું તીર્થધામ 
        અમદાવાદથી ધ્રાગંધ્રા જઈ આગળ દશ માઈલ દૂર જતાં ખારેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવે છે.
 
        આ મંદિરની સ્થાપના મહંતશ્રી ન્યાલગીરીજીએ ઈ.સ. 1917માં કરી હતી. સંતશ્રી ન્યાલગીરીજીએ તેમના ગુરૂ શ્રી રણછોડજી મહારાજ પાસેથી દીક્ષા પ્રાપ્ત કરી હતી.ગુરૂ શ્રી રણછોડજી મહારાજ જ્યોતિર્મઠના અનુયાયી હતા.આધ જગદગુરૂ શંકરાચાર્યજીએ ચાર ધામોમાં ચાર મઠની સ્થાપના કરી હતી.
 
        પ્રથમ શૃંગરી મઠ- રામેશ્વર (પુરી- ભારતી- સરસ્વતી)
        દ્વિતીય ગોવર્ધન મઠ જગન્નાથપુરી (વન- આરણ્ય)
        તૃતીય શારદા મઠ દ્વારકા (તીર્થ- આશ્રમ)
        ચતુર્થ જ્યોતિર્મઠ બદ્રિકાશ્રમ (ગીરી- પર્વત- સાગર)
 
        ચારેય મઠોના શંકરાચાર્યની સ્થાપના આધ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે કરી છે, જેમનાં નામો ક્રમ પ્રમાણે આમ છે :
1.     પદ્મ પાદાચાર્ય
2.     ત્રોટકાચાર્ય
3.     હસ્તકમલકાચાર્ય
4.     શૂરેશ્વરચાર્ય
 
        ખારેશ્વર નાશ્રી રણછોડગીરીજી મહારાજ અને શ્રી ન્યાગીરીજી મહારાજ જ્યોતિર્મઠના હતા.શ્રી રણછોડગીરીજી મહારાજ ઉચ્ચકક્ષાના બ્રહ્મનિષ્ઠ સંત હતા. તેઓ ખૂબ લાંબો સમય સુધી સમાધિમાં રહેતા. વળી બહુ જ કડક સ્વભાવના હતા. ન્યાલગીરીજીએ શિષ્ય બનાવવા વિનંતી કરતાં તેમને કહ્યું હતું :
 
                “ શિર ઉતારી ભોંય
                ધરે, તાપે રાખે ર્પાંવ,
                દાસ કબીરા યું કહે,
                ઐસા હો તો આવ.
 
        ન્યાલગીરીજીએ કડક ગુરુને પોતાના કરી લીધા અને બહુ જ ઓછા સમયમાં સમાધિની અવસ્થાએ પહોંચી ગયા.આ જોઈ ગુરુ રણછોડજી મહારાજે તેમને પરિભ્રમણ કરવાનું કહ્યું અને એકાંત જગ્યાએ સાધના કરવા જણાવ્યું. ન્યાલગીરીજી ફરતા ફરતા ઉત્તરડા થઈને હળવદ પાસે સુંદરીભવાની માતાજીના મંદિરમાં રોકાયા. ત્યાં તેમને જોઈતું એકાંત મળ્યું નહીં.તેમનામાં ઉત્કટ વૈરાગ્ય અને એકાંતપ્રિયતા હોવાથી ચાલી નીકળ્યા.ધ્રાગંધ્રા થઈને ધ્રાગંધ્રાથી દસ માઈલ દૂર નરાબી ગામ પાસેના ગાઢ જંગલના એકાંતના ચાલ્યા ગયા.ત્યાં તેઓ અથાક સાધના કરવા લાગ્યા.
 
        દરમ્યાન નરાબી ગામની ગાયોનું ધણ આ જ જંગલમાં ચરવા આવતું. તેમાંથી રોજ એક ગાય છૂટી પડી ગીચ ઝાડીમાં જતી રહેતી.આ ગાયને સાંજે દોહવા તેનો માલિક લાલજી કલ્યાણજી રાવળ બેસે ત્યારે દૂધ નીકળતું નહીં.આથી માલિક લાલજીએ ગાયોના ગોવાળને ધમકાવ્યો.તેને તો ખબર જ નહોતી.બીજે દિવસે તેણે બરોબર ધ્યાન રાખ્યું તો છૂટી પડેલી ગાય એક જગ્યાએ ઊભી રહી અને આપોઆપ તેના દૂધ ભરેલા આંચળમાંથી દૂધની ધારા વહેવા લાગી. ત્યાં શું છે તે જોવા ગોવાળ અને માલિકે પાંદડાં ખસેડયા તો શિવલિંગ જણાયું, ગામમાં આ વાત ફેલાઈ ગઈ અને બધા લોકો દર્શન કરવા ઊમટી પડયા. બાજુની જ ગીચ ઝાડીમાં સંત ન્યાલગીરીજી સમાધિમાં બેઠા હતા. બધા લોકોએ તે સંત મહાત્માનાં દર્શન કરવા આવવા માંડયું. ધીર ધીરે ન્યાલગીરીજી ઈશ્વરની કૃપાથી લોકોનાં દુ:ખ ઘટાડવા લાગ્યા.
 
        નરાબી પાસેનો વિસ્તાપ ખારપાટનો વિસ્તાર હતો. ક્યાંય આસપાસ પીવાનું મીઠું પાણી મળતું નહતું.આથી મહારાજના સેવકો અને આસપાસના લોકોને તકલીફ પડતી. મહંતશ્રી ધ્યાનમાં બેસી ગયા અને લોકોની તકલીફ દૂર કરવા મહાદેવજીને વિનંતી કરી. આમ ને આમ ત્રણ દિવસ અન્નજળનો ત્યાગ કરી ધૂણી ધખાવી ધ્યાનમાં બેસી ગયા.ત્યાં તો આકાશવાણી થઈ બેટા,ન્યાલગીરી,તારુ પાણીનું માટલું રાકે છે ત્યાં તું ખોદીશ તો ગંગાજી પ્રગટ થશે.
 
        મહંત શ્રીએ આ જગ્યાએ ખોદતાં તરત જ મીઠા પાણીનો પ્રવાહ ગંગારૂપે નીકળ્યો, જે આજે પણ સજીવન છે. આમ. ઈશ્વરની કૃપાને કારણે મહારાજશ્રીની ખ્યાતિ દૂરદૂર સુધી ફેલાઈ ગઈ. અત્યાર સુધી મહાદેવજી સ્વયંભૂ પ્રગટ થયેલ હોવાથી અને મહારાજશ્રીની નિસ્પૃહતાને લીધે મંદિર બાંધવામાં આવ્યું ન હતું,પણ ધાર્મિક જનોએ અહીં એક મંદિર બનાવ્યું.આમ મહંતશ્રી ન્યાલગીરીજીની હાજરીમાં ધાર્મિક જનોએ મંદિર બાંધ્યું,અને વિધિવત રીતે આ જગ્યા ખારાપાટમાં હોવાથી તેનું ના શ્રી ખારેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું. ગાય જયાં શિવલિંગ પર દૂધ ઝરતી હતી તે જગ્યામાં ગૌશાળા બાંધવામાં આવી.
 
        મહારાજશ્રી ન્યાલગીરીજી આદેશા આપ્યો કે આ જગ્યાનો ઉદ્દેશ મહાદેવજીનું પૂજન અને ગાયોની સેવા કરવાનો રહેશે. નિયમ કરવામાં આવ્યો કે આ જગ્યાની ગાયોનું દૂધ વેચાય નહિ તેમજ વલોણું પણ કરવાનું નહીં. દૂધ અને દહીં જગ્યાનાં સંત, સાધુ તથા તે જગ્યામાં જે વટેમાર્ગુ કે સેવકો ઊતરે તેમના ઉપયોગમાં લેવું.
 
        આજે પણ અહીં મહારાજશ્રીના આદેશનું પાલન કરવામાં આવે છે. ધી બનાવવામાં આવતું નથી.
 
        ઈ.સ. 1917માં મંદિર બંધાવ્યા બાદ ઈ.સ. 1957માં તેમણે પોતાના માટે સમાધિ તૈયાર કરાવી અને 1959માં તેમણે સહેદે સમાધિ લીધી.
 
        ત્યાર બાદ ખારેશ્વર ટ્રસ્ટે ઈ.સ. 1966ની સાલમાં વટેમાર્ગુ તથા યાત્રાળુને રહેવા માટે ધર્મશાળા બંધાવી.
 
        ન્યાસગીરીજી મહારાજના કૈલાસધામ બાદ શ્રી શંકરભારથીજી, પછી ગોંવિદગીરીજી, ત્યાર બાદ ત્રિવેણીગીરીજી, મહારાજશ્રી ભીમપુરીજી, ત્યાર બાદ નાગા બાવા નર્મદાગીરીજીને વહીવટ સોંપ્યો પરંતુ તેઓ પણ જગ્યા છોડી ગયા. તેમના ગયા બાદ જ્ઞાનગીરીજી અને ત્યાર બાગ સંગમગીરીજીને સંસ્થાનો વહીવટ સોંપ્યો. તેમણે પંદર વર્ષના તેમના વહીવટ દરમ્યાન ઘણા સુધારા કર્યા. તેમના વખતે શતાબ્દી મહોત્સવ અને મહારૂદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો.
 
        મહારાજશ્રી સંગમગીરીજીએ ઈ.સ.1970માં સમાધિ લીધી. ત્યાર બાદ મહંત શ્રી ચંચલગીરીજી અને પ્રગટગીરીજીએ વહીવટ ને ગાદી સંભાળ્યાં હતાં.તેમણે સાધના,તપ,કુનેહ ને કુશળતાથી જગ્યામાં જ રહીને વહીવટ સંભાળ્યો. સંવત 2035માં મંદિરનો જીણોદ્ધાર કર્યો. દરેક મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી પધરાવવામાં આવી. આમ આ મંદિર તીર્થયાત્રાનું અને પૂજા- સેવાનું અલૌકિક ધામ બની ગયું.
 
        પૂ. મહંતશ્રી ચંચલગીરીજી ઉંમરમાં યુવાન અને ઉત્સાહી હોવાથી સમગ્ર વહીવટમાં રસ લેવા લાગ્યા.ગાયોની સેવા માટે ગૌશાળા ટ્રસ્ટ ઊભું કર્યું. જગ્યાની સ્થાયી મિલ્કત-જેમ કે ખેતીવાડી,તેની ઊપજ વગેરેનો વહીવટ કરે અને ખારેશ્વર મહાદેવની જગ્યામાં સુધારા વધારા કરી તીર્થધામ- પ્રવાસધામ બનાવ્યું છે.
 
        આમ જોવા જઈએ તો અહીંથી જ મીઠાના અગર શરૂ થાય છે. અગિરયાઓ માટે તો આ ભકિતધામ છે, અન્યો માટે તીર્થધામ.
Post a Comment