Sunday, September 20, 2015

પંચમહાલનું પેરિસ - બારી઼યા

પંચમહાલનું પેરિસ  - બારી઼યા
ભૂપૈનદર કુમાર નૂ
મોનીકા નુ
પંકજ ઉધાસ મહેશ ભટ્ટની ‘નામ’ ફિલ્મમાં ચિઠ્ઠી આઈ હૈ ગાય છે ત્યારે ફિલ્મનાં પાત્રો જ નહીં, ફિલ્મ જોનારાઓ પણ આંખમાંનાં ઝળઝળિયાં ગાલ પરથી વહી જવા દે છે. વતનનો વિરહ સૌ કોઈને હોવાનો. એલેક્સ હેઈલીએ ‘રૂટ્સ’ નામની કથામાં પોતાની સોળ પેઢીઓ વિશે સંશોધન કરીને રોમાંચક ગાથા વર્ણવી છે. ‘રૂટ્સ’ તો દળદાર પુસ્તક છે અને સોળ પેઢી સુધી સંશોધન કરવાનું આપણું કોઈ ગજું નથી એટલે માંડ છ-સાત પેઢીના વતનની વાત અહીં માત્ર હજાર શબ્દોમાં પૂરી કરીએ...

‘આજ રાત્રે... જયદીપ ટૉકીઝના... રૂપેરી પડદા પર... ભવ્ય રજૂઆત પામે છે...’ હાથલારી પર ત્રિકોણાકારમાં બે પાટિયાં ઠેલી જતો વૃદ્ધ દેવગઢ બારિયામાં શુક્રવારે રિલીઝ થતી ફિલ્મની જાહેરાત કરતો ચબૂતરા શેરીમાંથી પસાર થતો ત્યારે વૅકેશન ગાળવા વતનમાં આવેલાં અમે ટાબરિયાંઓ ઘરની બહાર નીકળીને એની પાછળ દોડતા. તે વખતના આમિર-સલમાન-શાહરૂખ સમા જિતેન્દ્રની ‘ફર્ઝ’ જેવી બ્લૉક બસ્ટર ફિલ્મ આવવાની હોય ત્યારે તો હાથલારીને બદલે ઘોડાગાડીમાં પ્રચાર થતો અને સાથે સ્થાનિક કુંજબિહારી પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલાં ફિલ્મની સ્ટારકાસ્ટ લખેલાં લાલ ફરફરિયાં પણ વહેંચાતાં.

દેવગઢ બારિયા પંચમહાલનું પેરિસ ગણાતું. યુરોપના લોકો પેરિસને ફ્રાન્સનું દેવગઢ બારિયા ગણે છે કે નહીં એની ખબર નથી પણ ‘નેશનલ જયોગ્રાફિક’ના જૂના અંકોના ફોટાઓમાં કે અંગ્રેજી ફિલ્મોમાં જોયેલા પેરિસ કરતાં પણ બારિયા અમને વધારે રૂપાળું લાગતું. હવે તો બારિયાનો જિલ્લો પંચમહાલને બદલે દાહોદ બની ગયો છે.

પાદરે આવેલાં જયદીપ ટૉકીઝ અને જિમખાના દેખાય એ પહેલાં જ તમારી આસપાસના સમગ્ર વાતાવરણમાં ફેલાઈ ગયેલું દેવગઢ બારિયા તમને ઘેરી વળે. રણછોડજીનું મંદિર, તળાવ, બેટ અને ટાવર. પેલી તરફ પાનમ નદી અને સામે દેખાય દેવગઢ ડુંગર. ‘શોલે’ જેવી બીજી કોઈ હિંદી ફિલ્મ બનાવવી હોય તે માટેનાં પરફેક્ટ લોકેશન એક જ સ્થળે મળી જાય, એક પાણીની ટાંકી સિવાય. બે-ચાર વર્ષ પહેલાં કોઈ હિંદી ફિલ્મમાં મેજર લોકેશન તરીકે દેવગઢ બારિયા જોવા મળ્યું ત્યારે પિયરનું કૂતરુંય વહાલું લાગે એમ એ ફિલ્મ ગમી ગયેલી.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં કુટુંબના વડવાઓ ખાનદેશ છોડીને બારિયા આવીને વસ્યા. કયું ખાનદેશ? ખબર નથી. ગૂગલ અર્થના નકશામાં બારિયાની નજીકના વિસ્તારોમાં ત્રણ ખાનદેશ દેખાડે છે જેમાંનું એક ડાકોર નજીક છે, કદાચ એ જ હશે. વડવા બારિયા આવ્યા ત્યારે ૧૮૫૭નો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પૂરો થઈ ગયો હતો, ‘સત્યપ્રકાશ’ સાપ્તાહિકના અધિપતિ અને કવિ નર્મદના પત્રકાર મિત્ર કરસનદાસ મૂળજી પર ચાલેલા ઐતિહાસિક ‘મહારાજ લાયબલ કેસ’નો ચુકાદો પણ આવી ચૂક્યો હતો અને નર્મદનું ‘ડાંડિયો’ જોરશોરથી શરૂ થઈને ચાલુ-બંધ ચાલુ-બંધ થવા માંડ્યું હતું. પેલી બાજુ દૂર પોરબંદરમાં કરમચંદને ત્યાં મોહનનો જન્મ પણ થઈ ચૂક્યો હતો. એવા એ કાળમાં વડવાઓ ખાનદેશ છોડીને શું કામ વેપાર કરવા બારિયા આવીને વસ્યા હશે? ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી છે.

વાતની શરૂઆત મોહમ્મદ બેગડાથી કરવી પડશે. મોહમ્મદ બેગડાએ અઢારમી સદીના સાતમા દાયકાની આસપાસ પાવાગઢની તળેટીએ આવેલા રાજા પતાઈ રાવળના ચાંપાનેરના રાજ્યને લૂંટીને જીતી લીધું. રાજા પતાઈ રાવળનાં એક રાણી પોતાનાં બે સંતાનોને લઈને દૂરનાં જંગલોમાં જતાં રહ્યાં. આ બે સંતાનો મોટાં થયાં જેમાંના મોટા ભાઈ પૃથુરાજના પુત્ર ઉદયસિંહે છોટા ઉદેપુરની સ્થાપના કરી. નાનાભાઈ ડુંગરસિંહે ઈ. સ. ૧૭૮૨માં દેવગઢ નામના ડુંગરની તળેટીએ રાજમહેલ બનાવ્યો અને બારિયાનું રાજ્ય સ્થાપીને દેવગઢ બારિયા વસાવ્યું. આજની એ તારીખે એ જૂનો રાજમહેલ કહેવાય છે. નવો રાજમહેલ ‘અવંતિ’ ગોધરાથી બારિયા આવો ત્યારે ગામના પાદર પહેલાં ત્રણ કિલોમીટરે દેખાય. છોટા ઉદેપુર અને દેવગઢ બારિયાના આંતરિક નકશામાં, બેઉની નગર-રચનામાં આજે પણ તમને ઘણું સામ્ય જોવા મળે. મહારાજા ડુંગરસિંહના વંશજોએ બાર પેઢીઓ સુધી સ્ટેટ ઓફ બારિયા પર સત્તા ભોગવી. અત્યારે જયદીપસિંહજીના ગયા પછી ઉર્વશીદેવી અને પછી એમના પુત્ર રાજકારણમાં સક્રિય છે.

ડુંગરસિંહના અવસાન પછી એમના પૌત્ર રાજા માનસિંહ, ઈ. સ. ૧૮૬૪માં સગીર વય, ગાદી પર આવ્યા. પ્રગતિશીલ વિચારો ધરાવતા આ રાજવીએ એ જમાનામાં, બારિયા જેવા આદિવાસી વિસ્તારમાં અંગ્રેજી કેળવણી શરૂ કરી, કુમારશાળા - ક્ધયાશાળા - છાત્રાલય જેવી શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી. ઉપરાંત પોલીસદળ, ન્યાયતંત્ર અને મહેસૂલ ખાતા માટેનાં વહીવટી માળખાં ઊભાં કર્યાં.

આ દૂરંદેશી રાજા માનસિંહ ગાદી પર આવ્યા તેનાં થોડાંક વર્ષ બાદ એમણે બારિયાનો વિકાસ કરવાની યોજના વિચારી. રાજાને સલાહ મળી હતી કે બારિયા રાજ્યનો વિકાસ કરવો હોય તો વાણિયાઓને વસાવવા જોઈએ. વાણિયાઓ વેપારધંધો કરશે તો રાજ્ય આર્થિક સમૃદ્ધિ પામશે જેને પરિણામે તમામ કોમના લોકો રોજીરોટી મેળવવા આ તરફ આવીને વસશે. પણ પંચમહાલના એ ગાઢ જંગલમાં ધંધો કરવા આવે કોણ? હિંસક પશુઓ ઉપરાંત તીરકામઠાં લઈને ફરતી કોળી-ભીલની વસતિનો પણ ભય. એટલે સાહસિક વેપારી જ અહીં આવવાની હિંમત કરે.
વાણિયા તરીકે ઓળખાતી પ્રજાના વડવાઓ સાહસિક. વેપાર કરવા માટે વહાણમાં બેસીને સાત સમંદર પાર જતા. એટલે જ તેઓ વહાણિયા તરીકે ઓળખાતા જે અપભ્રંશ પામીને વાણિયા બન્યા.

 અમારા વડવાઓ સહિતના કેટલાક વાણિયાઓને રાજા માનસિંહે ત્રણ સગવડો ઓફર કરીને આકર્ષ્યા. એક, ગામમાં ઘરથાળની (ઘર બનાવવા માટે જમીનનો ટુકડો) મોકાની જમીન વારદીઠ એક પાઈ કે એવી જ કોઈક પ્રતીક કિંમતે આપી. બે, વેપાર કરવા માટે રાજ્ય તરફથી વગર વ્યાજે ત્રણ વર્ષ માટે રૂપિયા પાંચ હજારની મૂડી જે રકમ હપ્તે હપ્તે રાજ્યની તિજોરીને પરત કરી દેવાની. ઓગણીસમી સદીના એ પાછલા દાયકાઓમાં આટલી રકમનું મૂલ્ય આજના રૂપિયા પચાસ લાખ કરતાં વધુ હતું. જે વેપારી હપ્તા ભરવામાં પોતાની દાનત ખોરી કરે એનું ઘર ખાલી કરાવીને સળગાવી દેવામાં આવતું. 

બારિયામાં એક વાણિયાનું ઘર આ રીતે રાજ્ય દ્વારા બાળી નાખવામાં આવ્યું હતું એવી વાયકાઓ નાનપણમાં સાંભળી હતી. ત્રીજી સવલત જે વેપાર માટે આવતા વાણિયાઓને મળતી તે સૌથી ચડિયાતી હતી. બારિયા સ્ટેટના સાત મહાલ (વિસ્તારો - પ્રદેશો)માંથી જે વિભાગમાં ધંધો કરવો હોય ત્યાં રાજ્ય તરફથી સંપૂર્ણ પોલીસરક્ષણ મળે અને એ વિસ્તારનાં ગામડાંઓમાં વેપાર કરવાની એકહથ્થુ સત્તા મળે યાને ઈજારાશાહી - મનોપોલી - ત્યાં તમારા સિવાય બીજું કોઈ તમારા ધંધાની હરીફાઈ કરવા આવી શકે નહીં.

એ પ્રદેશમાં વેપાર કેવો? વનવાસીઓ લાકડું, ગુંદર અને બીજી જંગલ ઊપજ વેચે અને સાટામાં કરિયાણું, કાપડ, અનાજ જેવી જીવન જરૂરિયાતની ચીજો ખરીદી જાય. પ્રસંગ તહેવારે રોકડ રકમની જરૂર પડે ત્યારે આ પ્રજા પોતાનાં ચાંદીનાં ઘરેણાં વેપારીની પેઢીમાં જમા કરાવીને એડવર્ડ આઠમા અને જ્યોર્જ પંચમની છાપના રણકતા રૂપિયાના સિક્કા ગાંઠે બાંધીને લઈ જાય.
વડવાઓ જેમને કારણે બારિયામાં વસ્યા તે હિઝ હાઈનેસ મહારાજા માનસિંહજી ઓફ સ્ટેટ ઓફ બારિયાનું ઈ. સ. ૧૯૦૮માં અવસાન થયું. બારિયાના સર્કલ બજારના નાનકડા ગોળાકાર બાગમાંની સંગેમરમરની એમની પ્રતિમા અને બારિયાના મોટા તળાવને અપાયેલું સત્તાવાર નામ ‘માનસરોવર’ રાજાની સ્મૃતિને આજની તારીખે પણ પ્રજામાં કાયમ રાખે છે.
૧૯૦૮માં રાજા રણજિતસિંહનો રાજ્યાભિષેક થયો. ઉચ્ચ શિક્ષણ અને તેજસ્વી કારકિર્દી ધરાવતા આ રાજવી ઈમ્પિરિયલ કેડેટ કોરમાં જોડાયા હતા. એમને ‘નાઈટ કમાન્ડર ઑફ સ્ટાર ઓફ ઈન્ડિયા’નો ખિતાબ અંગ્રેજોએ આપ્યો હતો આથી તેઓ સર રણજિતસિંહજી કહેવાયા. બારિયાનો ટાવર એમણે બંધાવ્યો, જિમખાના પણ એમની જ દેણ અને એમણે શરૂ કરેલી એસ. આર. હાઈસ્કૂલ (સર રણજિતસિંહજી હાઈસ્કૂલ)નું જાજરમાન મકાન તથા વિશાળ મેદાન ભારતની ભલભલી આધુનિક પબ્લિક સ્કૂલોની ભવ્યતાને ટક્કર મારે એવા છે.

ઈ. સ. ૧૯૪૮માં, આઝાદી આવ્યા પછીના મર્જરના ગાળામાં, સર રણજિતસિંહજીના અવસાન બાદ એમના પૌત્ર (અને યુવરાજ સુભગસિંહજીના પુત્ર) જયદીપસિંહજીનો સૉર્ટ ઑફ ‘રાજ્યાભિષેક’ થયો. જયદીપસિંહજીનાં લગ્ન જયપુરના મહારાજાની પ્રથમ રાણીનાં દીકરી સાથે થયાં. આ મહારાજા ઓફ જયપુરનાં બીજાં લગ્ન ગાયત્રીદેવી સાથે થયાં હતાં, જેમનું શાલીન સૌંદર્ય દુનિયા આખીને પ્રભાવિત કરતું.
બારિયા સ્ટેટના પ્રગતિશીલ રાજવીઓને કારણે ગુજરાતના બે સૌથી પછાત વિસ્તારોમાંના એક એવા પંચમહાલ (બીજો ડાંગ)માં આવેલા દેવગઢ બારિયા નગરમાં દાયકાઓથી પાણીના નળ હતા (જે પાણી તળાવમાંથી આવતું. ‘શોલે’ જેવી ટાંકી નહોતી, આગળ વાંચ્યું નહીં?) ઉપરાંત વીજળી, પહોળા અને પાકા રસ્તા, ગટર વ્યવસ્થા, એક સરખાં મકાનોથી શોભતી રાજમાર્ગ જેવી ટાવર શેરી, શૈક્ષણિક સંસ્થાઓ, કોર્ટ કચેરીઓ, રેલવે લાઈન વગેરે જેવી આધુનિક સુવિધાઓ આવી હતી.
મુંબઈથી વડોદરા જંકશને પહોંચ્યા પછી બે ફાંટા પડે - એક અમદાવાદ તરફ જવાનો. બીજો દિલ્હી જવાનો - તમારે દિલ્હીનો ફાંટો પકડવાનો. કલાકેકમાં ગોધરા વટાવ્યા પછી, દાહોદ પહેલાં, પિપલોદ જંકશન આવે ત્યાં ઊતરી જવાનું. પિપલોદથી બારિયા જવા માટે નેરોગેજ ટ્રેન પકડવાની. નેરળથી માથેરાન જઈએ એવી રમકડાં ગાડી. ચાલુ ગાડીએ ચડઉતર કરી શકીએ એટલી જ સ્પીડ. પિપલોદથી બારિયાનું દસ કિલોમીટર અંતર એક કલાકમાં કાપે અને એમાંય વળી વચ્ચે બબ્બે તો સ્ટેશન આવે - નાની ઝરી અને મોટી ઝરી. બાળપણમાં બારિયામાં વૅકેશન દરમ્યાન પિકનિક કરવાનાં ત્રણ સ્થળ: તળાવ પાસેનો બગીચો, દેવગઢ ડુંગરની ટોચ અને આ રમકડાં ગાડીમાં પિપલોદની રિટર્ન જર્ની. ઘરેથી આ વઘારેલા મમરા-સેવ-ડુંગળી અને લીંબું-મીઠું બાંધી આપે અને દાદા થોડીક સલાહો બાંધી આપે: ચાલુ ગાડીમાંથી ચડઉતર નહીં કરવાની. અંધારું થાય એ પહેલા ડુંગર ઊતરી જજો
Post a Comment