Sunday, October 18, 2015

સમાજનું ઋણ ફેડું છું

મને એક વિચાર આવ્યો કે આવા સમયે જો દર્દીને સાચું માર્ગદર્શન મળે તો ખોટી દોડાદોડી ના થાય અને એને આર્થિક રીતે ફાયદો પણ થાય એવું કંઈક કરાય તો? બસ પછી તો કેન્સરના દર્દીઓના પરિવારજનોને યોગ્ય માર્ગદર્શન આપવું, આર્થિક રીતે ફાયદો કરાવી આપવો એ દિશામાં કામ કર્યું. કામ તો થઈ જતું અને ઘણી વખત એ માટે ઘરના પૈસા ખર્ચાઈ જતા:હરખચંદ સાવલા
સમાજસેવા તો આપણામાંના ઘણા લોકો કરતાં જ હોય છે, પરંતુ ઘરના ખર્ચીને એવા લોકો માટે કશુંક કરવાની ભાવના હોય એવા લોકો ખરેખર ખૂબ જૂજ હોય છે. કૅન્સરપીડિતો માટે જીવન જ્યોત કંઈ નવું નામ નથી. આજે વાત કરીએ એક કચ્છી માડુંની કે જેણે આ રસ્તા પર પર એક વખત પા-પા પગલી માંડ્યા પછી ક્યારેય પાછા વળીને જોયું નથી.

‘સમય હતો લગભગ ૧૯૭૦નો એ વખતે હું શાળામાં ભણતો હતો. મારો એક મિત્ર હતો જેના પિતાનું થોડા સમય પહેલાં મૃત્યુ થયું હતું અને તેના પરિવારજનો તેને ભણવાનું છોડવાનું કહી રહ્યા હતા. ભણતર છોડાવવાનું કારણ હતું ફી ભરવા માટેની અસમર્થતા. મિત્રએ ખૂબ જ સ્વાભાવિકતાથી મને આખી ઘટના જણાવી અને બસ એ જ વખતે મનમાં ખબર નહીં પણ સ્ફુર્યું કે હું તારી ફી ભરીશ, પણ તું ભણવાનું નહીં છોડતો. કહેતા તો કહેવાઈ ગયું પણ મારી હાલત પણ કંઈ એટલી સારી નહોતી કે હું તેના ફીના પૈસા ભરી શકું. પરંતુ મારા પક્ષે એક સારી બાબત એ હતી કે એ વખતે ઘરથી પાંચ કિલોમીટર દૂર આવેલી શાળાએ જવા બસમાં પ્રવાસ કરવો પડતો અને એ માટે મને બસભાડાના પૈસા મળતાં હતા. મેં નક્કી કર્યું કે હું બસભાડાના પૈસા મિત્રની ફી ભરવા માટે ઉપયોગમાં લઈશ અને હું પાંચ કિમી ચાલી નાખીશ. બસ કહી શકાય કે ત્યારથી સમાજસેવા એ શોખ બની ગયો અને એ જ શોખને મારા પરિવારજનોએ આવકાર્યો અને મને બનતી બધી જ મદદ પણ કરી...’ આ શબ્દો છે કચ્છની ધીંગી-ખારી ધરાના મીઠડા માડું એવા હરખચંદ સાવલાના.

હરખચંદભાઈ હાલ કૅન્સરપીડિત દર્દી અને તેમના પરિવારજનોને બે ટાઈમ મફત ટિફિન પહોંચાડે છે અને તેમની દુવાઓ મેળવે છે. પરંતુ સમાજસેવા કરવાની અને દર્દીના પરિવારને ટિફિન આપવા માટેની પ્રેરણા તેમને કઈ રીતે મળી એ કથની પણ એટલી જ રોચક છે. હરખચંદભાઇના એક વડીલ મિત્રે તેમને કહેલાં શબ્દો જ તેમના સેવાયજ્ઞમાં ઘીનું કામ કરી ગયા હતા.

આગળ વાત કરતાં હરખચંદભાઈ ‘મુંબઈ સમાચાર’ને જણાવે છે કે મારા વડીલ મિત્ર ખેતશી માલશી સાવલાએ મને કહ્યું હતું કે આપણે જે સમાજમાં રહીએ છીએ, જે સમાજ આપણને પોષે છે એ સમાજનું આપણા પર બહુ મોટું ઋણ છે અને એ ઋણ આપણે કોઈકને કોઈક રીતે ચૂકવવું જ રહ્યું. પરંતુ શાળામાં આપણે શિખ્યા છીએ કે આપણને પાળી-પોષીને મોટા કરનારા માતા-પિતાનું ઋણ આપણા પર રહેલું છે. આખી રાત માતા-પિતા કે સમાજ બંનેમાંથી ઋણ આપણા પર વધુ છે એ બાબતે સંઘર્ષ ચાલ્યો પણ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યો નહીં.

બીજા દિવસે વહેલી સવારે જઈને ખેતશીભાઈને કહ્યું કે તમારી વાત કંઈ મારા ગળે ઉતરતી નથી. ખેતશીભાઈએ પૂછ્યું કે કઇ વાત? મેં કહ્યું કે તમે કહ્યું હતું ને કે સમાજનું આપણા પર ઋણ છે, પરંતુ શાળામાં તો માતા-પિતાનું ઋણ છે એવું શિખડાવવામાં આવે છે. મને કંઈ જામતું નથી. એ વખતે ખેતશીભાઈએ મને સમજાવ્યું કે જો સમાજ રચના એ સૌથી મહત્ત્વની બાબત છે. સમાજની રચના એટલી મજબૂત છે જેને કારણે આપણા ઘરમાં સ્ત્રીઓ સુરક્ષિત છે, આપણો પરિવાર સુરક્ષિત છે. બસ આખી વાત સ્પષ્ટ થઈ ગઈ અને કદાચ આ ઘટના મારા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ સમાન પુરવાર થઈ.

લગભગ વર્ષ ૧૯૭૫માં લોઅર પરેલ મિત્ર મંડળની સ્થાપના કરી અને નાના પાયે રક્તદાન શિબિર, સફાઈ અભિયાન જેવી વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી. પરંતુ મનમાં ક્યાંક એવું લાગતું હતું કે આ બધા કામો દિશાવિહીન થઈ રહ્યા છે. એક ચોક્કસ દિશાની અને માર્ગદર્શનની હજી જરૂર છે. ૧૯૮૦-૮૧ સુધી તો લગભગ બધુ આ જ રીતે ચાલ્યું અને ૧૯૮૩માં એક મહિલા મારી પાસે આવ્યાં અને મને જણાવ્યું કે મારી માતાને કૅન્સર છે. મને પણ કૅન્સર વિશે વધુ કંઈ જાણ ન હોવાથી મહિલાને જણાવ્યું કે ટાટા હૉસ્પિટલ છે અને ત્યાં કૅન્સરની સારવાર કરવામાં આવે છે તો તમે તમારી માતાને લઈને ત્યાં જાવ. મહિલાએ કહ્યું કે તમે પણ મારી સાથે આવો તો વધુ સારું પડશે. આપણને તો પહેલાંથી જ કોઈ કામ માટે ના કહેવાની ટેવ નહીં. મેં કહ્યું ઠીક છે તમે કાલે સવારે મને મળો.

ત્રણ-ચાર લોકોને પૂછી પૂછીને આખરે અમે લોકો ટાટા હૉસ્પિટલ પહોંચ્યા ખરા. એ મહિલાએ જણાવ્યું કે મારા પિતાજી તો હું બહુ નાની હતી ત્યારે જ ગુજરી ગયા હતા. મેં એને સલાહ આપી કે જો આ હૉસ્પિટલમાં સારવાર કરાવીશ તો તારા આખા મહિનાનો પગાર એક જ દિવસમાં વપરાઈ જશે. આપણે સુધરાઈની હૉસ્પિટલમાં સારવાર કરાવીએ અને અમે લોકો સાયન હૉસ્પિટલમાં જઈને સારવાર કરાવી અને એક મહિનામાં એ માજી ઠીક પણ થઈ ગયા.

આ બધા દરમિયાન વારંવાર ટાટા હૉસ્પિટલ જવું જ પડતું અને એવામાં જ એક દિવસ જાણવા મળ્યું કે ટાટામાં તો મફત સારવાર થાય છે. મનમાં ગિલ્ટની લાગણી આવી કે મારા હાથે ખોટું થઈ ગયું અને મેં એ બહેનની માફી માગી અને આખી ઘટના જણાવી. પણ એ બહેને મને કહ્યું કે જે થયું એ થઈ ગયું. પરંતુ હું ખુશ છું અને તમારા કારણે જ મારી માતા આજેેે સાજી થઈ છે.

આ આખી ઘટના પરથી મને એક વિચાર આવ્યો કે આવા સમયે જો દર્દીને સાચું માર્ગદર્શન મળે તો ખોટી દોડાદોડી ના થાય અને એને આર્થિક રીતે ફાયદો પણ થાય એવું કંઈક કરાય તો? બસ પછી તો કેન્સરના દર્દીઓના પરિવારજનોને યોગ્ય માર્ગદર્શન આપવું, આર્થિક રીતે ફાયદો કરાવી આપવો એ દિશામાં કામ કર્યું. કામ તો થઈ જતું અને ઘણી વખત એ માટે ઘરના પૈસા ખર્ચાઈ જતા. બાર વર્ષ સુધી આ બધું ચાલ્યું.

દર્દીના પરિવારજનોને ટિફિન આપવાનું ક્યાંથી સુઝયું એવો પ્રશ્ર્નના ઉત્તરમાં હરખચંદભાઈએ જણાવ્યું કે એક દર્દી હતો તેની સારવાર ટાટામાં ચાલી રહી હતી. પરંતુ સારવાર દરમિયાન તેની સાથે આવેલી વ્યક્તિની તબિયત પણ બગડી. મેં એમને કહ્યું ચાલો આપણે ડૉક્ટર પાસે જઈએ. ડૉક્ટરે રૂટિન ચેકઅપ કર્યું અને પૂછ્યું કે, ‘આજે ખાને મેં ક્યા ખાયા થા?’ એણે જવાબ આપ્યો, ‘વડાપાંઉ’. ડૉક્ટરે પાછો બીજો સવાલ પૂછ્યો કે કલ ક્યા ખાયા થા? પાછો એ જ જવાબ. સતત ત્રણ ચાર દિવસથી દર્દીના પરિવારજને વડાપાંવ ખાઈને જ ગુજાર્યા હતા. એ વખતે ડૉક્ટરે મને કહ્યું કે પૈસા બચાવવાના ચક્કરમાં ભાઈ વડાપાંઉ પર જ ગુજારો કરી લે છે, જેને કારણે આ તકલીફ થઈ છે.’

ડૉક્ટરના આ શબ્દે જ મનમાં સવાલ ઉદ્ભવ્યો કે દર્દીને તો હૉસ્પિટલ ખાવાનું આપે છે, પરંતુ દર્દીની સાથે આવેલા તેમના પરિવારજનોનું શું? અને મનમાં આવ્યું કે લોહી અને ભોજન દર્દીની સૌથી મોટી જરૂરિયાત છે. આ માટે જો ફંડ ઉઘરાવવું હોય તો સંસ્થા રજિસ્ટર્ડ કરાવવી પડે અને તેનું નિયમિત ઓડિટ કરવું પડે અને જીવન જ્યોત કૅન્સર રિલિફ એન્ડ કૅર ટ્રસ્ટ ૧૯૯૭માં રજિસ્ટર્ડ કરાવી. સંસ્થાનું બંધારણ ઘડાયું અને આ બધામાં સાથ મળ્યો ધીરુભાઈ કોઠારીનો.

અહીંથી ટિફિન સેવાની શરૂઆત થઈ. શરૂઆતમાં ૨૫ જણા આ સેવાનો લાભ લેતા હતા અને આજની તારીખમાં જે.જે., ટાટા અને સેન્ટ જયોર્જ હૉસ્પિટલના મળીને કુલ ૬૫૦થી વધુ લોકો આ યોજનાનો લાભ લે છે. મુંબઈ બહારથી આવતા દર્દીઓને આ યોજનાને કારણે ઘણી રાહત મળી. દિલદાર દાતાઓને કારણે ધીરે ધીરે વારેતહેવારે ફળ, બિસ્કિટ, મીઠાઇ, કેરી શિયાળામાં ખજૂર, ચોમાસામાં છત્રી અને શિયાળામાં ધાબળા પણ આપવામાં આવે છે.

ભોજન પછી વારો આવે બ્લડ ડોનેશનનો. દર્દીઓની લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે અવારનવાર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે અને અહીં જણાવતા ખરેખર આનંદ થાય છે કે હરખચંદભાઈ ખુદ ૧૦૨ વખત રક્તદાન કરી ચૂક્યા છે.

સંસ્થા દ્વારા કુલ ૬૦ જેટલી એક્ટિવિટી કરવામાં આવે છે, જેમાંથી ૩૦ એક્ટિવિટી કૅન્સર સંબંધિત છે, જ્યારે બાકીની ૨૦ પ્રવૃત્તિ જનરલ છે અને અન્ય ૧૦ પ્રવૃત્તિઓ મુંગા પશુઓ માટે કરવામાં આવે છે. તળોજા ખાતે સિદ્ધિકરોલે ગામમાં ૧૭૦ પશુ છે અને સારવાર બાદ આ પશુ-પંખીઓેને છોડી મૂકવામાં આવે છે. આ જ ગામમાં રૂ. ચાર લાખના ખર્ચે ઓપરેશન થિયેટરનું કામ ચાલી રહ્યું છે.

આ બધી વાત વચ્ચે હરખચંદ ભાઈએ કહ્યું કે અહીં મારે એક મહત્ત્વની વાત કરવી છેે અને મારી વિનંતી છે કે આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી પહોંચે. સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં એક મહત્ત્વની પ્રવૃત્તિ છે પસ્તી યોજના. આ યોજના અંતર્ગત લોકો પાસેથી પસ્તી એકઠી કરીને તે વેચીને જે પૈસા આવે છે એમાંથી અમે દર્દીઓ માટે દવા ખરીદીએ છીએ. આ રીતે અમે છેલ્લાં પાંચ વર્ષમાં રૂપિયા પચાસ લાખની દવા દર્દી સુધી પહોંચાડી છે. પસ્તી ઉપરાંત જો તમારા ઘરમાં બાળકો હોય અને તેમના જૂના પણ સારી હાલતમાં હોય એવા રમકડાં પણ અમે ભેગા કરીએ છીએ અને કૅન્સરથી પીડાતા બાળકો માટે ટૉય બૅન્ક ચલાવીએ છીએ. આવા સાડા ચારસો જેટલા બાળકો અમારી સંસ્થામાં રજિસ્ટર્ડ છે અને અમે આ બાળકો માટે વન-ડે પિકનિકનું આયોજન પણ કરીએ છીએ અને એ વખતે એ બાળકોના ચહેરા પર આવતી મિલિયન ડૉલર સ્માઈલને જોઈને મનને ખરેખર ટાઢક પહોંચે છે... અને આટલું જણાવીને હરખચંદભાઈ અહીં વાત-ચીત પર પૂર્ણવિરામ મૂકે છે.
Post a Comment